RSS

લોકનું સંગીત એટલે લોકસંગીત…

જેમાં નથી રાગ નથી જેમાં રાગણી…..

જેમાં નથી ગીત કે સંગીત….

તોય ચીરી નાખે ચીત એવું…

લોક સંગીત ગુજરાતનું…

ગુજરાતનું લોકસંગીત ભાવજગતનાં પાયા ઉપર રચાયેલું છે. એ એવા લોકોનું સંગીત છે કે જે પંડિત નથી પણ સરળ છે. એમ કહી શકાય કે સરળ માણસો દ્વારા સરળ શબ્દોમાં અને એનાથી પણ વધુ સરળ સ્વરોમાં સર્જાતું ગવાતું અને સંભળાતું સંગીત એટલે જ લોકસંગીત. એમ પણ કહી શકાય કે લોકોનું લોકો દ્વારા લોકો માટેનું સંગીત એટલે લોકસંગીત. આ લોકસંગીત એ આદિમાનવના મનોવેગ જેટલું જૂનું છે…

લોકસંગીત વિશે વાત કરતાં પહેલાં લોક એટલે શું ? તે જાણવું જરૂરી છે. તજજ્ઞોના મત અનુસાર લોક એટલે જે પંડિત નથી તે. પંડિતાઇ એટલે જ્ઞાન. જ્ઞાન હોય ત્યાં અહંકાર રહેવાનો જ. અને અહંકાર હોય ત્યાં સરળતા ક્યાંથી હોય ! એના અર્થ એમ કરી શકીએ? કે જ્યાં સરળતા છે ત્યાં જ લોક છે.
મનુષ્ય માત્રને જીવવા માટે બે રસ્તા છે. કાં તો જ્ઞાન માર્ગ જેમાં બુદ્ધિ હોય, ડહાપણ હોય, હોશિયારી હોય, કહેવાતી સમજદારી હોય અને બીજો રસ્તો છે ભકિતમાર્ગ. જેમાં ફક્ત હૃદયનો જ ભાવ હોય. વ્યવહાર જગતમાં બુદ્ધિની જરૂર છે. જે આપણને બહાર લઇ જાય છે. પણ ભીતરની ભાળ મેળવવી હોય તો ફક્ત હૈયાનો સાદપૂરતો છે. ગુજરાતનું લોકસંગીત આવા ભાવજગતનાં પાયા ઉપર રચાયેલું છે. એ એવા લોકોનું સંગીત છે કે જે પંડિત નથી પણ સરળ છે. આથી જ એમ કહી શકાય કે સરળ માણસો દ્વારા સરળ શબ્દોમાં અને એનાથી પણ વધુ સરળ સ્વરોમાં સર્જાતું, ગવાતું અને સંભળાતું સંગીત એટલે લોકસંગીત.અથવા એમ કહી શકાય કે લોકોનું લોકો દ્વારા લોકો માટેનું સંગીત એટલે લોકસંગીત.
લોકસંગીત સતત વહેતી નદી જેવું છે. નદી જ્યાં સુધી વહે છે ત્યાં સુધી જ તેનાં નીર નિર્મળ રહે છે. નીર જો સ્થિર થાય તો ગંધાઇ જાય. લોક સંગીતરૂપી નદીનું સુકાઇ જવું કે ગંધાઇ જવું એટલે લોકના અંતરજગત ઉપરની બહુ મોટી ઉપાધિ ગણાય. કારણ કે પ્રજાનાં હૃદયમાં જો પોતાના પ્રદેશના લોકગીતોનો દુષ્કાળ પડે તો પરપ્રાંતોનું સંગીત એના પ્રાણની પ્યાસ બુઝાવી નથી શકતું, દુષ્કાળ પડે તો અનાજ બહારથી મંગાવી શકાય. પણ લોકસ્વરોની સમજના અભાવનું નુકસાન કઇ રીતે ભરપાઇ થાય. લોકોને આપોઆપ ગણગણવાનું મન થાય એવાં ગીતો આજે ક્યાં રચાય છે. પ્રચારના આટઆટલા આક્રમણ છતાં યાદ ન રહે એવા ગીતોથી શ્રોતાઓને સાંસ્કૃતિક રીતે ગેરમાર્ગે કેમ દોરી શકાય ? લોકની વ્યાખ્યાને હજુ વિસ્તારથી કહેવી હોય તો એમ કહી શકાય કે વગડામાં ગાયો-ભેંસો ચારતો માલધારી જો પંડિત હોય તો એની ગણના લોકમાં ન થઇ શકે. પણ સુપ્રીમ કોર્ટનો ન્યાયાધીશ ન્યાય તોળવાની બુદ્ધિ સિવાય બીજી કોઇપણ જાતની પંડિતાઇના ભારથી પીડાતો ન હોય તો તજજ્ઞોના મત પ્રમાણે તે `લોક’માં સ્થાન પામે છે.
લોકસંગીત વગડામાં ઉગેલી વનરાઇ જેવું છે. જેનું નથી કોઇએ વાવેતર કર્યું, નથી કોઇએ પાણી પાયું, નથી કોઇએ ખાતર નાખ્યું અને તેમ છતાં ઋતુ, ખાતર, પાણી અને બીજ ભેગા થવાથી જેમ છોડ ઉગે છે તેમ પ્રકૃતિના સહજ નિયમોને આધિન થઇને લોકગીત જન્મે છે અને વિકાસ પામે છે.
લોકસંગીત આદિ માનવીના મનોવેગ જેટલું જૂનું છે. ડાર્વિનનાં ઉત્ક્રાંતિવાદના સૂત્રો અનુસાર જળચર, સ્થળચર અને નભચર પ્રાણી જગતનાં ક્રમિક વિકાસની પ્રક્રિયામાં મન સાથેનું જે પ્રાણી વિકસ્યું તેને મનુષ્ય કહેવામાં આવ્યું. મન ઉપરથી મનુષ્ય. મનુષ્ય સિવાયના પ્રાણીઓ પાસે મન નથી. એટલે મનુષ્ય સિવાયના પ્રાણીઓને કંટાળો પણ નથી આવતો. મનુષ્ય સિવાય બીજા કોઇ જીવજંતુ કે પ્રાણીઓ બગાસા નથી ખાતા. માનવીને મનની સાથે સાથે પ્રકૃતિએ ગમા-અણગમા, સુખ-દુ:ખ, કંટાળો અને ઉત્સાહ પણ આપ્યા. એટલે જ્યારે જ્યારે માનવીનું મન ખુશ થયું ત્યારે તેણે ઉત્સાહના ગીતો ગાયા અને દુ:ખ થયું ત્યારે દુ:ખના ગીતો ગાઇને મનને હળવું કર્યું. નણ: ઊર્મૈ નણૂશ્રપળઞર્ળૈન ઇંળફઞન્ર રૂદ્ધં નળજ્ઞષપળજ્ઞ: માનવીના બંધન અને મુક્તિનું કારણ માત્ર એનું મન છે. પ્રકૃતિનાં ખોળે ઉછરતા માનવીને જ્યારે જ્યારે બંધન અને મુક્તિનાં પ્રશ્ર્નો ઊભા થયા ત્યારે એમાંથી બહાર નીકળવા શબ્દોનાં જન્મ પહેલાં સૌ પ્રથમ સ્વરનો ઉપયોગ કર્યો એ સ્વરો, ચીસ, ચિચિયારી, ખોંખારો, હોંકારો, પડકારો, દેકારો, રૂદન અને ગાયન સ્વરૂપે કમશ: આવતા ગયા. જંગલમાંથી પસાર થતા પવનમાંથી, પોતાની આસપાસ રહેતા પક્ષીઓનાં અવાજમાંથી, પર્વત ઉપરથી સમુદ્ર તરફ ગતિ કરતા ધોધ, ઝરણાં અને નદીઓનાં પ્રવાહમાંથી એ જે સ્વર પામ્યો એ લોક સંગીતનો આદિસ્વર હતો. લોકજીવન પોતાના સંગીતને ત્રણ વિભાગમાં વહેચ્યું. ઘા, ફૂંક અને ઘસરકો. બે પથ્થરનાં ટૂકડાને કે હાથના બે પંજાને અથડાવીને એની તાલની દુનિયા શરૂ થઈ. અને પછી મરેલા પ્રાણીનાં ચામડાનો ઉપયોગ કરીને ઢોલ, નગારા, ડાક, ખંજરી જેવા તાલ વાદ્યો સર્જ્યા અને આમ “ઘા” માંથી તાલ આવ્યો. વાંસનાં ટૂકડામાં ફૂંક મારીને નીકળેલા સ્વરોમાંથી એણે વાંસળી, શરણાઈ, જોડિયા પાવા જેવા ફૂંક વાદ્યોને વિકસાવ્યા. તો જંતર, રાવણ હથ્થો, રામસાગર જેવા તંતુ વાદ્યોનું સર્જન ઘસરકામાંથી મેળવ્યું. આટલા વિકાસ સુધી ફક્ત સ્વર હતો પછી સ્વરોની સાથે શબ્દો ભળ્યા અને લોકજીવને પોતાની અભિવ્યક્તિમાં ભાષાનો વધારો કર્યો.
ગુજરાતનું લોકસંગીત ગળથૂથીથી શરૂ થાય છે અને ગંગાજળથી પૂરું થાય છે. અર્થાત્ જન્મથી મૃત્યુ સુધીની જીવન યાત્રામાં અનેક પ્રસંગે, વારે-તહેવારે, મેળા, મેળાવડામાં, સંતોના સામૈયાઓમાં જોડાયેલું સંગીત એટલે ગુજરાતનું લોકસંગીત. લોક સંગીતમાં તાલ વાદ્યો છે, તંતુ વાદ્યો છે, સ્વર વાદ્યો છે. અને આમાનું કશું જ ન હોય તો શ્રવણ વાદ્યો તો છે જ. પ્રકૃતિમાં અવિરત ચાલતા મહોત્સવમાં માનવીએ પણ પોતાનો જે સ્વર પૂરાવ્યો એ લોક સંગીત. જીવને શિવ તરફ પ્રયાણ કરાવતું પ્રાકૃતિક ગાન એટલે લોક સંગીત.
પામરતાનો પરમ સત્તા માટે પાડવામાં આવતો સાદ એટલે લોક સંગીત. લોક સંગીતમાં કીર્તન છે અને નર્તન પણ છે. પ્રકૃતિના ખોળે પાંગરેલું પહાડો, જંગલો, ઝાડીઓ, વાડીઓ અને ખેતરોમાં ઉછરેલું તેમજ ગિરિવર અને કંદરાઓમાં વિસ્તરેલું લોકજીવનનું આ સમૂહગાણું લોક સંસ્કૃતિરૂપી માતાનાં મસ્તક પર રહેલ મુગટમાં જડેલું અણમોલ રતન છે. આપણું લોકસંગીત આપણી સંસ્કૃતિનો એવો ખજાનો છે. કે જેને ખોઈ બેસીએ તો આપણું અસ્તિત્વ પણ ખોવાઈ જાય. એટલે જ કોઈ સ્કોટિશ કવિએ કહ્યું છે કે “અમને અમારા પ્રદેશના લોક સંગીતને ગાવા દો પછી અમારા પર કોણ શાસન કરે છે, એની અમને પરવા નથી.
લોકસંગીત એ લોકજીવનનાં શ્ર્વાસોશ્ર્વાસ છે. માણસ જેમ શ્ર્વાસ વિના જીવી ન શકે એમ `લોક’ પોતાના સંગીત વિના જિંદગીને જીરવી ન શકે. લોકસંગીત વિશે લખવા બેસીએ તો રાત ખૂટે પણ વાત ન ખૂટે એવો મહાગ્રંથ લખી શકાય. એટલી સામગ્રીને ટેલીગ્રાફિક કરવી એટલે અગાશીમાં ઘોડા દોડાવવા જેવું અને બાથરૂમમાં બૂલેટ હાંકવા જેવું છે. અંતમાં, ઘાયલ સાહેબના શેરથી સમાપ્ન કરીએ તો…
સારા નરસાની ખબર નથી પણ,
એટલું જણાવી દઉં `ઘાયલ’
જે આવે ગળામાં ઉલટથી
એ ગાઈ જવામાં લિજ્જત છે.
લોકસંગીત ઉલટથી, મોજથી, મસ્તીથી ગવાત ું સંગીત છે.


 

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: